ઉનાળામાં હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાય છે લક્ષણો
છાતીમાં દુખાવો અથવા તો ભારેપણું
ઉનાળામાં જ્યારે ગરમી ચરમસીમા એ પહોંચી જાય ત્યારે હાર્ટ એટેક સંબંધિત મામલા પણ વધી જાય છે. ગરમીના કારણે શરીરમાં ડ્રિહાઈડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન થાય છે જેના કારણે હૃદય પર પ્રેશર વધે છે. હદ કરતાં વધારે ગરમી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને પ્રભાવિત કરે છે જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધે છે. ભારત સહિત ઘણા દેશોમાં ગરમીના કારણે હાર્ટ એટેકના કેસ વધી જતા હોય છે. ગરમીમાં હાર્ટ એટેક આવે તે પહેલાંના લક્ષણોને સામાન્ય ગણીને ઇગ્નોર કરવામાં આવે છે. હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણોમાંથી કેટલાક લક્ષણો એટલા સામાન્ય હોય છે કે લોકો તેને ગરમીના કારણે થતી સમસ્યા માની લે છે. આ લક્ષણોને ઇગ્નોર કરવાથી હાર્ટ એટેકની ગંભીરતા વધી જવાનું જોખમ રહે છે. આજે તમને જણાવીએ એવા લક્ષણો વિશે જે ગરમીમાં શરીરમાં જોવા મળે તો સતર્ક થઈ જવું.
છાતીમાં દુખાવો અથવા તો ભારેપણું
જો ગરમીના દિવસોમાં અચાનક છાતીમાં દુખાવો થાય અથવા તો ભાર અનુભવાય તો તે હાર્ટ અટેકનું લક્ષણ હોઈ શકે છે. ગરમીમાં વધારે પરસેવો આવવાથી કે થાક લાગવાથી લોકોને છાતી પર ભાર જેવું લાગે છે. પરંતુ આ હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ પણ હોઈ શકે છે. જો છાતીમાં દુખાવો ધીરે ધીરે વધે અને શરીરમાં ફેલાવવા લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
વધારે પડતો પરસેવો
ઉનાળામાં ઘણા લોકોને પરસેવો વધારે થાય છે. પરંતુ કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમ કે મહેનત કર્યા વિના અચાનક જ પરસેવો વળવા લાગે તો તે ચિંતાજનક હોઈ શકે છે. શરીરમાં પરસેવો થવાની સાથે ગભરામણ કે અસહજતા અનુભવાય તો તે હાર્ટ અટેકનું લક્ષણ હોઈ શકે છે તેથી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
શ્વાસ ફુલવો
તીવ્ર ગરમીમાં બહાર જવાનું થાય કે ચાલવાનું થાય તો શ્વાસ ફુલવા લાગે છે. આ સ્થિતિને ક્યારેય ઇગ્નોર કરવી નહીં. શ્વાસ ફુલવો એ સંકેત છે કે હૃદયના સ્નાયુઓમાં ઓક્સિજનની ખામી સર્જાય છે. આ સ્થિતિ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેથી ચાલતા ચાલતા થાક લાગે તો થોડીવાર આરામથી બેસી જવું.
ઉલટી કે પેટમાં દુખાવો
ગરમીના દિવસોમાં ખાવા પીવામાં ગડબડ થઈ જાય તો પેટમાં દુખાવો કે ઉલટી જેવી સમસ્યા થાય છે. આમ સ્થિતિને મોટાભાગે લોકો સામાન્ય ગણીને અવગણતા હોય છે પરંતુ હાર્ટ એટેક સમયે પણ કેટલાક લોકોને આ તકલીફ થાય છે. જો અચાનક જ બેચેની અનુભવ કરો અને ઉલટી થતી હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
થાક અને નબળાઈ
ગરમીના દિવસોમાં સતત થાકનો અનુભવ થતો હોય અથવા તો શરીરમાં નબળાઈ લાગતી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો કારણ કે તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. હૃદયની કાર્યક્ષમતા ઘટી જવાથી થાક અનુભવાય છે.