વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી
પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન,
બાળકોએ દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

તાપી જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. સોનગઢ નગરમાં સવારની શરૂઆત શાળાના ભૂલકાઓ દ્વારા કાઢવામાં આવેલી પ્રભાત ફેરીથી થઈ હતી, જેમાં બાળકોએ “જય જવાન, જય કિસાન” અને “વંદે માતરમ” ના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.

સોનગઢ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સહદેવસિંહ વનારની ઉપસ્થિતિમાં બાંધકામ અધ્યક્ષ આશિષકુમાર શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લા અને સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે પણ ઉત્સાહભેર ધ્વજવંદન કરાયું હતું. સમગ્ર નગરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું.બીજી તરફ, તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ અવસરે પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબદ્ધ વોલી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉપાધ્યક્ષે કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ સાથે ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે. તેમણે ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ અને બોરીસાવર યોજનાઓના અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનો ઉલ્લેખ કરી આ યોજનાઓ ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે તેમ જણાવ્યું હતું. સાથે જ, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત થતી ફાળવણીથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યાનું ઉમેર્યું હતું.

વરસાદી નુકસાન સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ત્વરિત સહાયની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણી દરમિયાન વ્યારા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *