સુરેન્દ્ર નગર થાનગઢમાં ગેરકાયદે ખનન ઝડપાયું
કુવામાંથી 11 મજૂરોને બચાવાયા અને 8 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્ર નગર થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડાઈ છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્ર નગર થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં રઘા જીવણભાઈ કોળી પટેલની માલિકીની જમીન સર્વે નંબર 132માં તપાસ દરમિયાન ત્રણ કુવા મળી આવ્યા હતા. એક કુવામાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન થતું હતું. અધિકારીઓને જોઈને ખનન કરનારા નાસી છૂટ્યા હતા. કુવામાંથી 11 મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ મજૂરોમાં થાનગઢ, મુળી તાલુકા અને મધ્યપ્રદેશના રાજગઢ તેમજ છોટાઉદેપુરના લુણીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. સ્થળ પરથી એક ચરખી, ત્રણ બકેટ, એક કમ્પ્રેસર અને 15 ટન કાર્બોસેલ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ખનનનો કોન્ટ્રાક્ટ ખાખરાથળીના અનુબેન મનસુખભાઈ કોળી પટેલનો હતો. જમીન માલિક રઘાભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી