પડતર માંગણીઓના ઉકેલ માટે રેવન્યુ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન

Featured Video Play Icon
Spread the love

પડતર માંગણીઓના ઉકેલ માટે રેવન્યુ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન
ભાવનગરમાં 400થી વધુ મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા
રાજ્યના 25થી 30 હજાર રેવન્યુ કર્મચારીઓ રજા પર હોવાનો દાવો
મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારોના કામકાજ પર સીધી અસર

રેવન્યુ વિભાગના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યભરમાં કર્મચારીઓએ ફરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી સહિત વિવિધ મહેસૂલી કચેરીઓના 400 થી વધુ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરતાં અરજદારોના કામકાજ પર સીધી અસર પડી છે. રાજ્યના અંદાજે 25થી 30 હજાર જેટલા રેવન્યુ કર્મચારીઓ રજા પર હોવાથી મહેસૂલી સેવાઓ ખોરવાઈ છે.

રેવન્યુ વિભાગના કર્મચારીઓની પડતર માગણીઓનો હજુ સુધી નક્કર ઉકેલ ન આવતા કર્મચારીઓએ સામૂહિક રજાનો માર્ગ અપનાવ્યો છે. જેના કારણે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી સહિત વિવિધ મહેસૂલી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓના આંદોલનને કારણે 7-12 અને 8-અના ઉતારા, હકપત્રકમાં દાખલ કે કમી કરવાની કામગીરી સહિતની મહેસૂલી સેવાઓને અસર થવાની શક્યતા છે. તેમજ જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ અને નોન-ક્રીમિલેયર જેવા પ્રમાણપત્રોની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, અગાઉ એક મહિના પહેલા પણ આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે સરકારે કર્મચારીઓની માગણીઓ સ્વીકારવા અંગે આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો. જોકે ત્યારબાદ પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા કર્મચારી મહામંડળે ફરી આંદોલન સક્રિય કર્યું છે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોની કામગીરી તાત્કાલિક દૂર કરવી, વર્ષ 2012ની બેચના નાયબ મામલતદારોને બઢતી આપવી અને નાયબ મામલતદારની નવી એકીકૃત સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત વર્ષ 2023 અને 2026માં દૂરના જિલ્લાઓમાં કરવામાં આવેલી બદલીઓ રદ કરવા તેમજ જનસેવા કેન્દ્ર માટે અલગ મહેકમ મંજૂર કરવાની પણ કર્મચારીઓએ માંગ કરી છે.

ફિક્સ પગારના મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી છે. હાઈકોર્ટે પાંચ વર્ષના ફિક્સ પગારના નિયમને ફગાવી કાયમી પગાર આપવા આદેશ કર્યો હતો. જોકે રાજ્ય સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાલ મહેસૂલ તલાટીઓને મહિને રૂપિયા 26 હજાર જેટલો ફિક્સ પગાર મળતો હોવાનું કર્મચારીઓનું કહેવું છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની પડતર માગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી 7 ઓક્ટોબર બાદ અચોક્કસ મુદત સુધી રજા પર ઉતરી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ કર્મચારીઓના આંદોલનને કારણે મહેસૂલી સેવાઓ પર અસર પડી છે. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓની માગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *