સુરતના કતારગામમાં સાત ક્રિકેટ બોક્સ સીલ
રવિવારે બનેલી ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું
ધ ડોટ બોક્સ ક્રિકેટનો શેડ તૂટી પડ્યો હતો
સુરતમાં ભારે પવન વચ્ચે કતારગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્ષનું સ્ટ્રક્ચર તુટી પડ્યા બાદ કતારગામ ઝોન દ્વારા અન્ય સાત જેટલા ક્રિકેટ બોક્ષ સીલ કરી દીધા છે.
રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે. સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યાં હતાં. ટી.પી 50 વેડ-કતારગામ ફાઇનલ પ્લોટ નં 80 1 રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું. આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારૂતી ક્રિકેટ બોક્સ, ગોપીન બંગ્લોઝ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડસ બોક્સ ક્રિકેટ, મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટર્ફ, નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ, સિંગણપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી. અત્રે નોંધનીય છે કે, આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગગની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે.