સુરત શહેર દેશભક્તિના રંગે રંગાયું
‘ઓપરેશન સિંદૂર’ની સફળતાની ખુશીમાં તિરંગા યાત્રા યોજાઈ
સી. આર. પાટીલની આગેવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ
તિરંગા યાત્રામાં હજ્જારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનને મુહતોડ જવાબ આપી ભારતીય સેનાએ દેશનુ નામ રોશન કર્યુ હોય જેને લઈ ભારતીય સેનાનુ સન્માન કરવા સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાગળથી ગાંધી પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં હજ્જારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.
પાકિસ્તાનમાં આશ્ચય લેનાર આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર હુમલો કરી 27ને શહિદ કર્યા હતા. જેનો બદલો ભારતીય સેનાએ લીધો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાટતું કરી દેતા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક બજાર ગાંધી પ્રતિમા કિલ્લા સુધી આ યાત્રા યોજાઈ હતી. બુધવારે સાંજે સાડા પાંચ કલાકે ભાગળ ચાર રસ્તાથી નીકળનારી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. તો આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી અને યાત્રામાં જોડવાવા સૂચના અપાઈ હતી. યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, વોર્ડ સંગઠન, સેલ-મોરચાના હોદ્દેદારોથી લઈ તમામ બૂથના કન્વિનરો, પેજ પ્રમુખો, તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું હોય જેમાં અલગ અલગ એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તબીબો, બિલ્ડરો, વેપારીઓ સહિત હજ્જારોની સંખ્યામાં ભારતીયો જોડાયા હતા અને ભારતીય સેનાને સલામી આપી હતી. આ તિરંગા યાત્રામાં દેશપ્રેમના ગીતો સાથે ભારત માતા કી જય, હિન્દુસ્તાન જીંદાબાદ સહિતના નારા પણ લગાવાયા હતાં.
વધુમાં આ યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ હતી. તિરંગા યાત્રા ભાગળ ચાર રસ્તા ખાતેથી સાંજે સાડા પાંચ વાગ્યે નીકળી હતી અને રાત્રે સાડા આઠ વાગ્યે ચોકબજાર ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં ભાગળ નજીકના કેટલાક રસ્તા ડાયવર્ટ કરાયા હતાં. યાત્રા મહિધરપુરા અને લાલગેટ તેમજ અઠવા પોલીસની હદમાંથી પસાર થઈ હતી જેથી લોકલ પોલીસ પણ પોત-પોતાના વિસ્તારોમાં બંદોબસ્ત માટે તૈનાત રહી હતી.