ગીરના ખજૂરી નેસમાં મંજૂરી વગર જસાધાર રેન્જમાં ડાયરાનું આયોજન
પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રી રોકાણ અને ડાયરાનું આયોજન
જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર આયોજન.
ગીર પૂર્વ ડિવિઝનના જસધાર રેન્જમાં આવેલા ખજૂરી નેસમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સંસ્કૃતિ દર્શન’ અને લોકડાયરાના કાર્યક્રમ પૂર્વે મોટો વિવાદ સર્જાયો છે. વન વિભાગની પૂર્વ મંજૂરી વિના જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં આટલા મોટા પાયે આયોજન કરવા બદલ ડીસીએફ દ્વારા આયોજકોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
ગીર પૂર્વ ડિવિઝનના જસધાર રેન્જમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મે 2026ના રોજ ખજૂરી નેસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકા મુજબ, આ કાર્યક્રમમાં શિવપૂજન અને નેસની ગોપાલન સંસ્કૃતિનું દર્શન. ગોવેદ લેખન ઝૂંપડી દર્શન અને જંગલની વાળુ. નેસ સંસ્કૃતિ સભા અને લોકડાયરો રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્ય મંત્રી મુળુ બેરા અને લોકગાયક રાજભા ગઢવી સહિતના આગેવાનો હાજર રહેવાના હતા. મુંબઈથી આવનારા મહેમાનો માટે દીવ અને રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ તેમજ તુલસીશ્યામ અતિથિ ભવનમાં રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વન વિભાગના નિયમોને નેવે મૂકીને કરાયેલા આ આયોજનની જાણ થતા ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવે આયોજક અને નેસ ધારકને નોટિસ પાઠવી છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે અભયારણ્ય વિસ્તારમાં આવા કોઈપણ કાર્યક્રમ માટે પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. નોટિસ મળ્યા બાદ આયોજકો પાસેથી ભવિષ્યમાં આવું આયોજન ન કરવા માટે લેખિત બાંહેધરી લેવામાં આવી છે અને કાર્યક્રમ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ડીસીએફ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે, “વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અને 2022ના સુધારા મુજબ, મંજૂરી વિના જંગલમાં પ્રવેશ કરવો, વન્યજીવોને પજવણી કરવી કે તેમને ખોરાક આપવો એ ગુનાહિત કૃત્ય છે. નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” આ મામલે વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ સામાન્ય લોકો સામે ત્વરિત પગલાં ભરે છે, પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો સામે નરમ વલણ દાખવે તે યોગ્ય નથી. અભયારણ્ય વન્યજીવોના સંરક્ષણ માટે છે, ત્યાં આવા ઘોંઘાટિયા કાર્યક્રમો ચલાવી લેવા જોઈએ નહીં.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
