સુરતમાં પ્રથમ વરસાદ બાદ રોડ બેસી જવાની ઘટના
મોટા વરાછામાં રોડ બેસી જવાના મામલે મેયરે એક્શનમાં
જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી
સુરતમાં પ્રથમ વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં રોડ બેસી જવાની ઘટનાઓ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ મોટા વરાછામાં રોડ બેસી જવાના મામલે મેયરે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના મોટા વરાછામાં રોડ બેસી જવાની ઘટનાને ગંભીરતાથી લઈ મેયર માયાબેન માવાણીએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. ટેક્નિકલ આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ ઈજનેર તેમજ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મેયર માયાબેન માવાણીએ સિવિલિસ ઈન્ફ્રા કંપનીને પણ નોટિસ પાઠવી ત્રણ દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવાની સૂચના આપી છે. સાથે જ શહેરના તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મેયરે જણાવ્યું કે ઉધનામાં રોડ બેસી જવાની ઘટનાને લઈને પણ સાંજ સુધીમાં સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે.
