તાપી જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ
સોનગઢ, વ્યારા અને વાલોડમાં હોટલ-રેસ્ટોરન્ટ્સ પર સઘન ચેકિંગ,
વાસી અને અખાદ્ય જથ્થો નાશ કરાયો
તાપી જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તા. ૧૮ અને ૧૯ ઓગસ્ટ દરમિયાન સોનગઢ, વ્યારા અને વાલોડ પંથકની ખ્યાતનામ હોટલો, રેસ્ટોરન્ટ્સ તેમજ ખાણીપીણીની ઓઈલેટ્સ પર અચાનક સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની જોગવાઈઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ઝડપાઈ આવતાં તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કુલ ૧૪ જેટલી નામાંકિત સંસ્થાઓ પર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લક્ષ્મી રેસ્ટોરન્ટ, હોટલ આશીર્વાદ, જીમીસ કેફે, હરે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ, વનશ્રી રેસ્ટોરન્ટ, હેપ્પીનેસ પાર્લર, હોટલ વ્રજભૂમિ અને મહાદેવ હોટલનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન ગ્રાહકોને પીરસવામાં આવતી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા. તંત્રની કડકાઈને જોઈને ટી પોસ્ટ, ભારતીય ચાય ડોટ કોમ, દિલ ખુશ રેસ્ટોરન્ટ , હોટેલ ઝા, ખોડીયાર કાઠીયાવાડી અને શ્રી હોટલ તુલસી સહિતના કેટલાક એકમોના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધાકીય સ્થળો બંધ કરી દીધા હતા. તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના કિચનમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય તેમજ વાસી સામગ્રી મળી આવી હતી. જેમાં ૨૫૦ ગ્રામ વાસી ગ્રીન ચટણી, ૧૦૦ ગ્રામ વાસી ગાર્લિક બટર, ૭૫૦ ગ્રામ વાસી સોસ તેમજ ૫ કિલોગ્રામ ઘઉંનો લોટ, મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને ૨ કિલોગ્રામ શેકેલા રીંગણ સહિતનો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ ન ખેડાય તે માટે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા આ તમામ નાશ પાત્ર અને વાસી જથ્થાનો સ્થળ પર જ કાયદેસરનો નાશ કરાવવામાં આવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી જિલ્લાના ખાદ્ય વ્યવસાયીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફૂડ સેફ્ટી વિભાગની આ સખત કામગીરીથી હોટલ સંચાલકોમાં સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાની અનિવાર્યતા ઊભી થઈ છે, જેને સ્થાનિક નાગરિકો અને ગ્રાહકો દ્વારા આવકારવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેવાની શક્યતા છે
