જામનગરની જીજી હોસ્પિટલમાં કૌભાંડ
આઉટસોર્સ કર્મચારીઓએ 17.20 લાખની ઉચાપત કરી,
સગાંના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર કર્યાં
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મોટું આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વહીવટી વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરાએ ત્રણ વર્ષના ગાળામાં 17.20 લાખ રૂપિયાની ઉચાપત કરી છે
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મોટું આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જિલ્લા તિજોરી કચેરીની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે. તિજોરી અધિકારીએ હોસ્પિટલ અધિક્ષક ડૉ. દીપક તિવારી અને હિસાબી વહીવટ સંભાળતા ડૉ. કણસાગરાને બોલાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાં સરકારી નાણાં જમા થયા છે. આરોપીઓએ માત્ર પોતાના જ નહીં, પરંતુ સગા-સંબંધીઓના ખાતામાં પણ સરકારી નાણાંની હેરાફેરી કરી છે. ડૉ. ભાવિન કણસાગરાએ બંને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક દાયકાથી હોસ્પિટલના સ્ટાફના પગાર અને ખર્ચ બિલનું કામ સંભાળતા આ કર્મચારીઓએ હજુ વધુ કેટલી રકમની ઉચાપત કરી છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. સિટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
જેની સામે ઉચાપતની ફરિયાદ થઇ છે તે બંને આરોપીઓ ભાર્ગવ અને દિવ્યા છેલ્લા સાત- આઠ વર્ષથી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ દ્વારા ભરતી થઈ ફરજ બજાવી રહ્યા છે. આ બંને આરોપીઓ દ્વારા હોસ્પીટલના ડોક્ટર સહિતના સ્ટાફના પગાર બીલ ઉપરાંત વધારાના ખર્ચ અંગેના બીલોની જવાબદારી સંભાળતા હતા. બંને કર્મચારીઓએ ઉપલા અધિકારીઓની વિશ્વાસ સંપાદન કરી લઇ જે બીલો સહીઓ માટે મોકલવામાં આવતા તે બીલોમાં જે તે અધિકારી વિશ્વાસથી સહીઓ કરી દેતા. જેમાં બંને કર્મચારીઓએ જેના નામે બીલ ઉધારવામાં આવ્યું છે તેનું નામ અને ખર્ચની વિગત સાચી દર્શાવતા હતા પરંતુ જે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવવાની છે તે બેંક એકાઉન્ટમાં પોતાના બેંક ખાતા નંબર નાખતા હતા. આમ જે તે કમર્ચારીના નામે બીલ ઉધારાઈ જતું હતું અને રકમ બંને કર્મચારીઓના ખાતામાં જમાં થઇ જતી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી