ભાવનગરના ખરકડી ગામે પાર્ટી કર્યા બાદ દુઃખદ ઘટના
પોલીસ તંત્ર જાગ્યુ અને 4 બુટલેગરોને ઝડપી લીધા
રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ તપાસ અર્થે મોકલી.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે દારૂનું સેવન કર્યા બાદ સાતેક યુવકની તબિયત લથડી હતી. જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય છને અલગ- અલગ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. પોલીસે મોડી સાંજે આ દારૂકાંડમાં લઠ્ઠાકાંડની આશંકા વ્યકત કરી હતી.
ભાવનગર SDM તરફથી તૈયાર કરાયેલા રિપોર્ટમાં કુલ 14 વ્યકિતએ નશાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે. SDMના રિપોર્ટ મુજબ મૃતક ઉપેન્દ્રસિંહ અને તેના ત્રણ મિત્રો વિશ્વરાજસિંહ, ઘનશ્યામસિંહ અને અજાણ્યા વ્યકિત ઉપરાંત બળદેવસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, હિતેશ જોશી, સંજયસિંહ ડોડિયા, સચિનભાઈ, કપિલ દેવમુરારી, અબ્દુલ હમીન ખાન, અભય દિહોરા અને ખિલાજી હાર્દિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યકિતનું શંકાસ્પદ મૃત્યું થયું છે.
ભાવનગરના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ સ્પષ્ટ કર્યું કે નકલી રોયલ સ્ટેગ નામના દારૂનું સેવન કરતા એકનું મોત થયું છે જ્યારે અન્યોની તબિયત લથડી છે. ઘોઘાના ખરકડી ગામની વાડીમાં બે દિવસ પૂર્વે આ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજાએ દારૂની પાર્ટીની મોજ માણી હતી. પાર્ટી બાદ 35 વર્ષીય ઉપેન્દ્રસિંહને ઓચિંતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બાદમાં ઉલ્ટી- ઉબકા શરૂ થયા હતા. સ્થિતિ વણસતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય સાથીદારો વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા અને અજાણ્યા એક યુવકની તબિયત લથડતા અલગ -અલગ હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા.
