તાપીમાં દિવાળી ને લઈ મરામત કામગીરી હાથ ધરાઈ
ઝાડી-ઝાંખરાને દુર કરવાની કામગીરી ૯૦ ટકા પૂર્ણ
તાપી જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈ તાકીદે માર્ગ મરામત કામગીરી હાથ ધરી
તાપી જિલ્લાના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૫૭૭ કિ.મી.રસ્તાઓ છે. જેમાં ૩૦૭ કિ.મી.ગેરંટી પીરીયડ હેઠળના અને ૨૭૦ કિ.મી.વિભાગિય મરામત હેઠળના રસ્તાઓ છે. આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે તાકીદે કામગીરી હાથ ધરી છે. જેમાં તમામ રસ્તાઓ ઉપર મહદઅંશે ૯૫ ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે રસ્તાઓ ઉપર નડતરરૂપ ઝાડી-ઝાંખરાને દુર કરવાની કામગીરી ૯૦ ટકા જેટલી પૂર્ણ થયેલ છે. બાકી રહેતી કામગીરી હાલ પ્રગતિમાં છે. જ્યારે વૃક્ષોને રંગ-રોગાન ગેરૂ-ચૂનો કરવાની કામગીરી તેમજ ઓફિસ કેમ્પસ સર્કિટ હાઉસ વિગેરેમાં પણ રંગ રોગાન તેમજ વૃક્ષોને ગેરૂ-ચૂનો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. એમ કાર્યપાલક ઈજનેરશ્રી એમ.એન.પટેલે જણાવ્યું છે.
