સુરતમાં આવેલા પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક
800થી વધુ પરિવારોને 6,800 મુજબ ઘરવખરી અને કેશડોલ
સુરતમાં આવેલા પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. અને બેઠક બાદ અસરગ્રસ્ત પરિવારોને સહાય, કોમર્શિયલ નુકસાનના સર્વે અને શહેરમાં સફાઈ અભિયાનને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરાયો હતો.
સુરત પૂર બાદ સરકારે રાહત કામગીરીમાં ઝડપ લાવી હોય તેમ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. તો મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક મળી હતી અને જણાવાયુ હતું કે જેમાંથી 800થી વધુ પરિવારોને 6,800 મુજબ ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના અસરગ્રસ્તોને પણ શુક્રવાર સાંજ સુધી સહાય પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનનો પણ વ્યાપક સર્વે શરૂ કર્યો છે. શહેરના 58 વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે અને સર્વે પૂર્ણ થયા બાદ વેપારીઓ માટે અલગ સહાય નીતિ જાહેર કરવામાં આવશે. ઇન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા ઝડપી બને તે માટે આરટીઓ અને લીડ બેન્કરને જવાબદારી સોંપવામાં આવી છે તેમજ ઓનલાઇન બેન્ચ પણ બનાવવામાં આવી છે.
શહેરમાં સફાઈ માટે સુરત મહાનગરપાલિકા સાથે અન્ય નગરપાલિકાઓમાંથી 1,000થી વધુ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. કુલ 4,500 જેટલા સફાઈ કર્મચારીઓ શહેરને ફરી સ્વચ્છ બનાવવા કાર્યરત રહેશે. ઉપરાંત બેઝમેન્ટમાં ભરાયેલા પાણી કાઢવા માટે 50થી વધુ વધારાના પંપ પણ કાર્યરત કરવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું.
