સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
સચિન વિસ્તારમાં એક 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાધો
યુવતી પિતાની બીમારીને લઈને ચિંતામાં રહેતી હોવાનું અનુમાન
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે સચિન વિસ્તારમાં એક 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો તો યુવતી પિતાની બીમારીને લઈને ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સુરતમાં ફરી એક યુવતિએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પ્રિયંકા કુમારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રિયંકા મૂળ બિહારની વતની હતી અને પરિવાર સાથે સચિન વિસ્તારમાં રહેતી હતી. મૃતક અને તેની બહેનો પેપર લાઇનમાં કામ કરતાં હતા, જ્યારે ઘટનાના દિવસે પ્રિયંકાએ તબિયત સારી ન હોવાનું કહી ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું. સાંજના સમયે તેની બહેનો ઘરે પરત ફરતાં દરવાજો અંદરથી બંધ હતો. સ્થાનિક લોકોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે પ્રિયંકા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ યુવતિ પિતાની બિમારીને લઈ ચિંતામાં રહેતી હોવાની ચર્ચા જોવા મળી હતી.
