સુરત કોંગ્રેસ દ્વારા ઉત્રાણ સ્ટેશન ખાતે ‘રેલ રોકો’ આંદોલન
હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતું સ્થગિત ‘રેલ રોકો’ આંદોલન
ઉત્રાણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની હતી માંગ
સુરત કોંગ્રેસ દ્વારા ઉત્રાણ સ્ટેશન ખાતે આજે યોજવામાં આવેલો ‘રેલ રોકો’ આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. વડોદરા ડીઆરએમઓફિસના એરિયા ઓપરેશન મેનેજર (એઓએમ) તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો.
સુરત કોંગ્રેસ દ્વારા ઉત્રાણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા, કોંગ્રેસે આજે ઉત્રાણ સ્ટેશન ખાતે ‘રેલ રોકો’ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી AOM તાત્કાલિક સુરત પહોંચ્યા હતા. વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.સંતોષકારક જવાબ મળતા, કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે.