સુરતમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોતું મનપા તંત્ર
ભટાર ચાર રસ્તા સ્થિત ફ્લાયઓવર બ્રિજ પર ભુવો પાડ્યો
આરપાર જોઈ શકાય તેવો ભુવો પડતા અનેક સવાલ
સુરત મહાનગર પાલિકાની ફરી બેદરકારી સામે આવી છે જેમાં ભટારબ્રિજ પર દોઢ ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંડું ગાબડું જોવા મળ્યુ હતું. તો બાકોરું એટલું મોટું કે એમાંથી નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવા છતા કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ફરક્યા ન હતાં.
સુરત જે શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે, ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઊભું થયું છે. શહેરમાં સવાસોથી વધુ બ્રિજનું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે ભટાર ફ્લાય ઓવરબ્રિજના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર લગભગ 5 ફૂટ ઊંડું ગાબડું પડતાં તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે, છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા નહોતાં. ભટાર ફ્લાય ઓવરબ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે. આ લાઇફ લાઇન પર બપોર બાદ અચાનક એપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું. સ્થળ પરની ગંભીર પરિસ્થિતિ આઘાતજનક હતી. બ્રિજના એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટ પહોળું અને 5 ફૂટ જેટલું ઊંડું ગાબડું નજરે પડ્યું. ગાબડું એટલું ઊંડું હતું કે તેમાં આખો હાથ નાખી શકાતો હતો અને નીચેનો રસ્તો જોઇ શકાતો હતો. આ ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી હતી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે. સ્થળ પર હાજર લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે, તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની દુર્ઘટનાઓનું ઉદાહરણ તાજું હોવા છતાં, સુરતમાં આ પ્રકારની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ સમાન છે.
