કડી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેનનો લલકાર
પોલીસ અને અધિકારીઓને ગેનીબેનની ચેતવણી
કહ્યું- ભાજપવાળા કોઈ લોભ-લાલચ કે પૈસા આપે તો લઈ લેજો,
વાપરવા હોય તો વાપરજો પણ મત તો કોંગ્રેસને જ આપજો
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર વેગવંતો બન્યો છે. રાજપુર ખાતે કોંગ્રેસની જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર સભામાં ગેનીબેન ઠાકોરે મતદારોને સંબોધતા કહ્યું કે ભાજપ તરફથી પૈસા કે લોભ-લાલચ આપે તો લઈ લેવા. તેમણે ઉમેર્યું કે આ પૈસા રાયડો કે એરંડા વેચીને ભેગા કર્યા નથી. પૈસા લઈને વાપરવા હોય તો વાપરજો અથવા રમેશભાઈને આપજો, પરંતુ મત માત્ર કોંગ્રેસને જ આપવો.
ગેનીબેને ચેતવણી આપી કે જો કોઈ કાર્યકર્તાને હેરાન કરવામાં આવશે તો તેઓ અને બળદેવજી ઠાકોર લડત આપવા તૈયાર છે. તેમણે પોલીસ અને વહીવટી તંત્રને પણ ચેતવણી આપી કે ભાજપના દબાણમાં આવીને કોઈ ગેરવર્તણૂક ન કરે.
કાર્યક્રમમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કડી-છત્રાલ હાઈવે પર એક ખાનગી હોટલમાં ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી