સુરતમાં સ્વદેશી 4 જી ટેક્નોલોજી લોન્ચ
બીએસએનએલએ મહત્વપૂર્ણ પહેલ કરી
426 હાઈ-સ્પીડ 4 જી સેચ્યુરેશન સાઇટ્સ કાર્યરત
સુરતમાં સ્વદેશી 4 જી ટેક્નોલોજી સાથે ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાની દિશામાં બીએસએનએલએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ઝડપી ઈન્ટરનેટ પહોંચાડવા 426 હાઈ-સ્પીડ 4 જી સેચ્યુરેશન સાઇટ્સ કાર્યરત કરવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસના અવસર પર બીએસએનએલ સુરત બિઝનેસ એરિયા દ્વારા સ્વદેશી 4જી નેટવર્કના વિસ્તરણ અને ગ્રાહકો માટેની વિશેષ યોજનાઓની માહિતી જાહેર કરવામાં આવી છે. ભારતમાં વિકસિત ટેક્નોલોજી આધારિત બીએસએનએલના 4 જી નેટવર્કના વિકાસમાં ટીસીએસ, સી-ડોટ અને તેજશ નેટવર્કનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતના દૂરદરાજ અને આદિવાસી વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા અત્યાર સુધીમાં 426 હાઈ-સ્પીડ 4જી સેચ્યુરેશન સાઇટ્સ કાર્યરત કરવામાં આવી છે. સાથે જ ભારત નેટ હેઠળ દમણ, નવસારી અને નગર હવેલીની 34 ગ્રામ પંચાયતોમાં ફાઇબર કનેક્ટિવિટીનું વિસ્તરણ થઈ રહ્યું છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવા એફટીટીએચ ગ્રાહકો માટે 12થી 31 ઓગસ્ટ સુધી 500 સુધીના ઈન્સ્ટોલેશન અને એક્ટીવેશન ચાર્જીસમાં સંપૂર્ણ છૂટની ઓફર પણ જાહેર કરવામાં આવી છે. ભારતનેટ રૂરલ પ્લાન હેઠળ 259 પ્રતિ મહિને 25 એમબીપીએસ સુધીની સ્પીડ, 700 જીબી સુધીનો ડેટા અને અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ મળશે. જ્યારે અરર્બન ફ્રિડમ પ્લાન 499માં 60 એમબીપીએસ સુધીની સ્પીડ અને 400 લાઈવ ટીવી ચેનલની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે. બીએસએનએલની આ પહેલથી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા છે.
