સુરતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનના આક્ષેપો
કોંગ્રેસે રામધૂન સાથે વિરોધ નોંધાવ્યો
સુરતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનના આક્ષેપોને લઈને સુરત શહેર કોંગ્રેસે રામધૂન સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી ગાંધી પ્રતિમા પાસે સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હલ્દવાની ખાતે યોજાયેલી રેલીમાં હાજર રહ્યા બાદ કેટલાક લોકો દ્વારા સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ ઘટનાને અસ્પૃશ્યતા અને ભેદભાવપૂર્ણ માનસિકતાનું ઉદાહરણ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાળાના નેતૃત્વમાં વિરોધ અને રામધૂન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ સામાજિક સમાનતા, માનવ ગરિમા અને બંધારણીય મૂલ્યોના રક્ષણની અપીલ કરી હતી. કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાળા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
