જામનગર એલસીબીએ બ્રાન્ડેડના નામે નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ.
એલસીબીએ ઔદ્યોગિક વિસ્તારમાંથી ઝડપી નકલી દારૂની ફેક્ટરી.
પોલીસે 8 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેટરોની કરી ધરપકડ.
જામનગર એલસીબી પોલીસે કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ‘આર્ય એસ્ટેટ’માં દરોડો પાડ્યો છે. ‘ખોડલ કોલ ટ્રેડર્સ’ નામના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ પ્રોહિબિશન કેસો શોધવાની કામગીરી દરમિયાન એલસીબીના PI વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે. PSI સી.એમ.કાંટેલીયાએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ આલ્કોહોલ સ્પીરીટ, કેમિકલ અને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફ્લેવર મેળવીને નકલી દારૂ બનાવતા હતા. તેઓ ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં-1, કોન્ટેસા, વોડકા, રોયલ સ્ટગ અને ઓફિસર ચોઇસ જેવા બ્રાન્ડના નકલી દારૂ બનાવતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં સ્પીરીટ, ફ્લેવર કલર મિશ્રણ, ડુપ્લીકેટ દારૂનો જથ્થો, સ્ટીકર્સ, મોબાઇલ ફોન અને એક ફોરવ્હીલ કાર સહિત કુલ રૂ. 8.23લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે જેમાં 43 વર્ષીય અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, 34 વર્ષીય મહિપાલસિંહ આશીષસિંહ રાણા અને 25 વર્ષીય જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા છે. જ્યારે બે આરોપીઓ – કિશનસીંગ શેખાવત (જયપુર) અને ગજેન્દ્રસિંહ જાડેજા (જામનગર) ફરાર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી