અરવલીમાં નવી બિલ્ડીંગમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા
આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ
દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા જે આજે પણ આ માન્યતા જીવંત છે. ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે.
ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડીંગના બીજા માળ પર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. બીજા માળ પર ટીટોડીના ઇંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે .ટીટોડીએ ચાર ઇંડા મૂકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઇ શાહ, દીપક શાહ અને ઉમેશ શાહના પરિવારજનો ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ ચાર ઈંડા ઊંચાઈ વાળી જગ્યાએ મુક્યા છે તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાની જણાવ્યું હતું…..