ભરૂચ ઝઘડીયામાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું- જળસંચય જનઆંદોલન બને તે જરૂરી,
દેશમાં 16 લાખથી વધુ સ્ટ્રક્ચર બન્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બોરોસિલ રિન્યૂએબલ્સના વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં નર્મદા નદીનું પવિત્ર પાણી રિચાર્જ કૂવામાં અર્પણ કરીને પ્રતીકાત્મક શુભારંભ કરાયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ 2021માં શરૂ કરેલા ‘કેચ ધ રેઇન’ અભિયાનનો ઉદ્દેશ વરસાદી પાણીના સંગ્રહને વેગ આપવાનો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીજીના ‘એક ટાઈમ ભોજન ત્યાગ’ જેવા આહ્વાનની યાદ અપાવી. જળ સંરક્ષણવિદ મયંક ગાંધીએ બોરોસિલ રિન્યૂએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પેઈનની કામગીરી અને પરિણામોની માહિતી આપી. કાર્યક્રમમાં આ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન પણ કરાયું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે મોટા ડેમ બનાવવાનો સમય નથી રહ્યો. જમીનમાં પાણી ઉતારવું સૌથી સસ્તું અને અસરકારક ઉપાય છે. ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ દેશમાં 16 લાખથી વધુ સ્ટ્રક્ચરો બન્યા છે.
કાર્યક્રમમાં પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, ચેરમેન પ્રદીપ ખેરુકા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી