વઢવાણમાં ધોળા દિવસે યુવતીની હત્યા
કારખાને જતી વખતે યુવકે 10થી વધુ છરીના ઘા માર્યા,
પ્રેમ પ્રકરણમાં ખુનીખેલ ખેલાયો હોવાની આશંકા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીની સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. યુવતીની ઘાતકી હત્યા કર્યાં બાદ યુવક ફરાર થઇ ગયો હતો. આ હત્યાની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જયારે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં વહેલી સવારે એક યુવતીની યુવકે હત્યા કરી હતી. યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી તે સમયે 8થી 10 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારી યુવકે ક્રૂર હત્યા કરી હતી. સરકારી ગાંધી હોસ્પિટલ લઈ જતા યુવતીને હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈનકાર કરતા મામલો ગરમાયો છે. હત્યારાને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ઉગ્ર માગ કરી છે. હોસ્પિટલ પરિસરમાં મૃતક યુવતીના પરિવારજનોનું કરૂણ આક્રંદ જોવા મળ્યું હતું. આ અંગે મૃતક યુવતીના પરિવારજને જણાવ્યું હતું કે, અમે ગણપતિ ફાટસર પાસે રહીએ છીએ. મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી, ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. એના પર જ આખુ ઘર ચાલતું હતું. એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અમારે ન્યાય જોઈએ બસ. જ્યાં સુધી હત્યારો આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી એની લાશ અમે અહીંથી ઉપાડીશું નહીં.એને અમારી સામે હાજર કરો. અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે. છોકરી એનાથી ખુબ ડરતી હતી.
આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળેટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી. હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા આરોપીને ઝબ્બે કરવા સહીતની વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વઢવાણ શહેરમાં ધોળા દિવસે યુવતીની સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યાની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી