વિદેશમાં નોકરી કરવા જવાના અભરખા મોંઘા પડ્યા
પોરબંદરના 19 યુવક-યુવતીઓ થાઇલેન્ડમાં ફસાયા.
નોકરીની લાલચ આપી યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી.
પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના 19 યુવક- યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં ફસાયા છે
પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના 19 યુવક- યુવતીઓને થાઇલેન્ડના પટાયા હોટલમાં હાઉસ કિપીંગની નોકરીના બહાને સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા ખંખેર્યા બાદ તેઓને નોકરી નહી અપાવતા આ યુવક-યુવતીઓ ત્યા ફસાઇ જતા ત્યાની ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જાણવા મળતી વિગત પ્રમાણે થાઇલેન્ડના પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂપિયા દઇને ત્યાં બે મહિના પહેલા ગયેલા ૧૯ જેટલા યુવક-યુવતીઓને નોકરી અપાવવામાં આવી નથી ત્યારે ફસાઇ ગયેલા આ યુવક-યુવતીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કરીને પોતાની આપવિતી વર્ણવી હતી, મુશ્કેલીમાં મુકાઇ ગયેલા યુવક-યુવતીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી. વાયરલ થયેલા વીડિયો અંગેની જાણ થાઇલેન્ડમાં વસતી ઇન્ડિયન કોમ્યુનિટીને થતા પટાયા કોમ્યુનિટી દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા સહિત તેઓને વતન મોકલવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ ૧૯ યુવક-યુવતીઓના પરિવારજનો પણ ચિંતાતુર બની ગયા છે અને તેમના સંતાનો વહેલી તકે હેમખેમ પરત આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે.
પટાયા ખાતે ફસાયેલા આ યુવક-યુવતીઓએ જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને બોટલમાં ઉતારવામાં આવ્યા છે. તેમને એવુ જણાવ્યુ હતુ કે પટાયા અને બેંગકોક ખાતે હોટલમાં હાઉસ કીપીંગની જોબ છે, 50 હજાર રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે અને બે વર્ષના વિઝા પણ આપવામાં આવશે.19 જેટલા યુવક-યુવતીઓ પાસેથી સાડાત્રણથી ચાર લાખ રૂપિયા પડાવાયા હતા અને 27 એપ્રિલના તેઓને થાઇલેન્ડ મોકલ્યા હતા. ત્યાં ગયા બાદ કોઇપણ પ્રકારની નોકરી મળી ન હતી. તે દરમ્યાન તેઓ તેમની સાથે લઇ ગયેલી કરન્સી પણ પૂરી થઇ ગઇ હતી અને રહેવા તથા જમવાના ફાંફા પડવા લાગ્યા હતા, તેમના વિઝા 25 જૂને પૂર્ણ થઇ રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી