સુરતમાં ધીમીધારે સવારે અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો.
વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો.
21 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ
સુરતમાં છેલ્લા 3 દિવસના ઉકળાટ બાદ આજે વહેલી સવારમાં જ સુરતમાં વરસાદ વરસ્યો હતો. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સુરતીઓને ગરમીમાં રાહત થઈ હતી. તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આજે 21 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.
સુરતીઓ મંગળવારે અસહ્ય બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમીને કારણે ઘરની બહાર કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા. જો કે આજે સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો હતો. સુરતના વરાછા, કતારગામ, ડભોલી, અડાજણ, પાલ, રાંદેર, અઠવાલાઈન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થયો છે. ધીરે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે. સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ પાણી ભરાવવાના બનાવો પણ બન્યા હતાં. જો કે ઉનાળાના મે મહિનામાં જ વરસાદ પડતા આકરી ગરમીથી કંટાળેલા સુરતીઓએ ઠંડકનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.