સુરતની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે લૂંટ
કર્મચારીઓને રૂમમાં પૂરી 4.75 લાખની લૂંટ ચલાવી
પોલીસે આરોપીને ઝડપવા પાંચ ટીમ બનાવી
સુરતમાં ફરી દિનદહાડે લુંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. બેંકમાં ધોળે દિવસે લુંટારૂઓએ ત્રાટકી લાખોની મત્તા પર હાથફેરો કર્યો હતો. તો બેંકમાં લુંટ કરી ભાગતા લુંટારૂઓ સીસીટીવીમાં કેદ થયા હોય ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બે કર્મચારીઓને રૂમમાં પૂરીને 4.75 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. બેંકમાં લૂંટ થઇ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાઈ રહ્યાં છે. પ્રાથમિક તબક્કે લૂંટારૂ જાણભેદું હોવાની શંકા સેવાઈ રહી છે. તો આ અંગે ડીસીપી રાજેશ પરમાર એ જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમેં આવી પિસ્તોલ જેવું હથીયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને 4 લાખ 75 હજાર રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અલગ અલગ કર્મચારી અને અધિકારીઓની પાંચ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવાના પ્રત્યન ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું.