સુરતમાં રીઢો વાહનચોર ઝડપાયો
ક્રાઈમ બ્રાંચ પોલીસે ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા
પકડાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
રાકેશસિંગ ઉર્ફે મારવાડી બહાદુરસિંગ ક્વીયાની ધરપક
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી વાહન ચોરી કરતા રીઢા વાહનચોરને બે ચોરીના વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે જણાવ્યું હતું કે , શહેરમાં વાહનોની ચોરી કરનાર ઈસમોને પકડી પાડવા સ્પેશીયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે આ દરમ્યાન ડીસીબી પોલીસે રીઢા વાહનચોર રાકેશસિંગ ઉર્ફે મારવાડી બહાદુરસિંગ ક્વીયાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને રાંદેર રીવરફ્રન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લીકેટ ચાવી વડેલોક ખોલી બાઈકની ચોરી કરી હતી. ચોરી કરેલ બાઈકમાં પેટ્રોલ પૂરું થઇ જતા આરોપીએ ૨૮/૦૩/૨૦૨૫ના રોજ પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ જલારામનગરમાંથી બીજી બાઈકની ચોરી કરી હતી. બન્ને બાઈકમાં પેટ્રોલ પૂરું થઇ જતા તે ચોરી કરેલ બાઈક રાંદેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રીજ નીચે બિનવારસી બાઈક પાર્ક કરી દેતો હતો. હાલ ડીસીબી પોલીસે બન્ને બાઈક રીકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ૯ ગુના નોંધાયેલા હતા જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો. આરોપીને એક વખત પાસા પણ થયેલા છે જેમાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો.