સુરત સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટ સામે હિટ એન્ડ રનની ઘટના.
બાઈક પર ઉભેલા રત્નકલાકારને કાર ચાલકે અડફેટે લેતા રાજેશ ઉકાણીનું મોત.
સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર જતાં રત્નકલાકારને કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નિપજ્યું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સરથાણા પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગીચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફોરવ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કારચાલક તેને પહેલા અડફેટે લે છે. ત્યાર બાદ 20 ફૂટ જેટલો તેને ઢસડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કારચાલક ફરાર થઈ જાય છે. કારચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો.