સુરત : સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ
સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,
સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા હતા,
એક વર્ષે પકડમાં આવી
સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલને પોલીસે ઝડપી લીધી છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરામાં ફરિયાદ થઈ હતી. કાપોદ્રા પોલીસે એક વર્ષ બાદ નાસતી ફરતી કિર્તી પટેલને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા. બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.