રાજકોટ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ
વાહન ચાલક હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા.
જો હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો.
રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરાવાતા કેટલાક વાહનચાલકોએ વિરોધનો સૂર વ્યકત કર્યો છે. કાયદાની કડક અમલવારી માટે શહેરના 48 સ્થળો પર સવારથી જ પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.
રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરાય છે તો બીજી તરફ કાયદાનો વિરોધ કરવા એક વાહન ચાલક હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા. લોકોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ કાયદાની કડક અમલવારીના વિરોધમાં રસ્તા પર ઉતરતા પોલીસ સાથે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા. રાજકોટ શહેરમાં 48 સર્કલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઇવ આજે સવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 9થી 12 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી ચેકિંગ કરવામાં આવશે. જેના માટે અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જોકે આજે હેલ્મેટ ડ્રાઇવને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હેલ્મેટની ફરજિયાત અમલવારીના પ્રથમ દિવસે પ્રથમ ત્રણ કલાકમાં જ 2571 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. ના ફ્કત સામાન્ય લોકો પણ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓ પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી છે, ઘણા ટુ વ્હીલર ચાલકો આજે ઘરેથી હેલ્મેટ પહેરી નીકળ્યા હતા. જોકે અનેક લોકો આજે પણ હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા હતા. વરસાદને કારણે રેઇનકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવું તેવા પ્રશ્નો વાહન ચાલકોએ ઉપસ્થિત કર્યા હતા. હેલ્મેટ ન પહેરવા બદલ અનેક લોકોએ રૂપિયા 500નો દંડ પણ ભરવો પડ્યો હતો.
રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટની ફરજિયાત અમલવારી શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ 48 ટ્રાફિક પોઈન્ટ પર સવારે 9 થી 12 દરમિયાન પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. 648 વાહનચાલકો પાસેથી 3.24 લાખના દંડની વસૂલાત કરવામાં આવી. આ ઉપરાંત કૂલ 1923 વાહનચાલકોને ઈ ચલણ ઈસ્યૂ કરવામાં આવ્યા. કૂલ 2571 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ ડ્રાઈવ હાથ ધરતા પોલીસ કમિશનર કચેરીમાં 23, પોલીસ હેડક્વાર્ટરમાં 19, એસપી ઓફિસમાં 32 અને બહુમાળી ભવનમાં 40 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
