સુરત પાલમાં ફેમિલી ક્લબના સભ્યો સાથે છેતરપિંડી
સભ્યોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી
ક્લબનું સંચાલન બદલાયા બાદ નવા માલિકો દ્વારા છેતરપિંડીના આક્ષેપ
સુરતમાં ફેમિલી ક્લબના સભ્યોએ ડેવલપર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો કર્યા છે. સભ્યોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.
સુરતના પાલ વિસ્તારમાં આવેલી ફેમિલી ક્લબના સભ્યોએ ક્લબના ડેવલપર સામે છેતરપિંડીના આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. સભ્યોના જણાવ્યા મુજબ વર્ષ 2019 માં આજીવન સભ્યપદના નામે ક્લબમાં જોડાયા હતા અને નિર્ધારિત રકમ ચૂકવી હતી. સભ્યોનો આક્ષેપ છે કે ક્લબનું સંચાલન બદલાયા બાદ નવા માલિકો દ્વારા અગાઉ આપવામાં આવેલી શરતોનું પાલન કરવામાં આવ્યું નથી. ઉપરાંત સભ્યપદ ટ્રાન્સફર, જાળવણી ચાર્જ અને ક્લબની હિસ્સેદારી અંગે પણ ગેરરીતિઓ થઈ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રજુઆતમાં જણાવાયું છે કે અનેક સભ્યો પાસેથી વધારાની રકમની માંગણી કરવામાં આવી રહી છે અને સમસ્યાના નિરાકરણ માટે કરાયેલી રજૂઆતો છતાં યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. આ મામલે આશરે 1100 સભ્યોને અસર થઈ હોવાનું જણાવતા સભ્યોએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
