સુરતના પુણામાં કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ
ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે ફાયરિંગની ઘટના
ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર ફરાર
પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે. હાલ પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે.
સરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતમાં દિનદહાડે ફાયરિંગ કરી લુંટ ચલાવાઈ હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત છે સુરતના પુણા વિસ્તારની. પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંગ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. જ્યાં ગુરૂવાર 5 જૂનના રોજ બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમા મોહમંદ સમીર કમરૂદ્દીન અંસારી, દેવેન્દ્રકુમાર દધીબલપ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતાં. આશરે સાડા બારેક વાગ્યની આસપાસ કારખાનામાં દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદુક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો ઈસમ આવ્યો હતો તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા. અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે આપકો ખાતે મે કામ કરને કે લીયે મના કીયા થા. ફીર ભી યહ ખાતે મે કામ કયો કર રહે હો તેમ ડરાવી ધમકાવી બહાર નહી જાના હૈં તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને 10 હજારથી વધુની રોકડની લૂંટ કરી વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગે તેવી ધમકી આપીને જતા રહ્યા હતાં. તો બનાવની જાણ થતા પુણા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવીના આધારે ફાયરિંગ અને લુંટ કરી ભાગી છુટેલા જુના કારીગર સહિત બન્ને લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.