અમરોલીની નગર પ્રાથમિક શાળા નંબર 232માં આગની ઘટના
મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગતાં અફરાતફરી
ઘટના સમયે શાળામાં 400થી વધુ બાળકો હાજર
શાળા સ્ટાફની સમયસૂચકતાથી બાળકોને સુરક્ષિત ખસેડાયા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 232માં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં શાળાની મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. આ સમયે શાળામાં 400થી વધુ બાળકો હાજર હતાં. જોકે, શાળા સ્ટાફની સમયસૂચકતા અને એક જાગૃત શિક્ષકની હિંમતને કારણે તમામ બાળકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવાયો હતો.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 232માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. શાળાની મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગતાં કાળાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગ અને ધુમાડો જોઈ વર્ગખંડોમાં હાજર 400થી વધુ બાળકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા સમજી શાળા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત ખુલ્લા પેસેજ તરફ ખસેડ્યા હતા. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ એક શિક્ષકે હિંમત દાખવી ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. શિક્ષકની સમયસૂચકતા અને શાળા સ્ટાફની સતર્કતાને કારણે સેંકડો બાળકોનો આબાદ બચાવ થયો હતો.
