સુરતના કાપોદ્રામાં હોટ ફિક્સના કચરામાં આગ
રામરાજ્ય સોસાયટી નજીક રસ્તા પર પડેલા કચરામાં લાગી આગ
આગની જ્વાળા વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામરાજ્ય સોસાયટી નજીક રસ્તા પર પડેલા હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગની જ્વાળા નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જતા ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો.
કાપોદ્રા વિસ્તારમાં રામરાજ્ય સોસાયટી નજીક રસ્તા પર હોટ ફિક્સના પ્લાસ્ટિકનો કચરો પડેલો હતો. આ કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગઈ હતી. આગના કારણે ટ્રાન્સફોર્મરમાં ધડાકાનો અવાજ સંભળાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કચરામાં આગ અકસ્માતે લાગી કે કોઈ કારણસર લગાવવામાં આવી, તે અંગે તપાસનો વિષય બન્યો છે. હોટ ફિક્સના કચરાના યોગ્ય નિકાલ અને સંગ્રહને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
