સુરત માંડવીમાં રખડતા શ્વાનનો કહેર
શ્વાનના હુમલાને કારણે વધુ એક માસૂમએ જીવ ગુમાવ્યો
સુરત માંડવી.જિલ્લામાં રખડતા કૂતરાઓના હુમલાને કારણે વધુ એક માસૂમ એ જીવ ગુમાવ્યો છે. કોસાડી ગામે બાળ વાટિકા માં શૌચાલય ગયેલ 6 વર્ષની બાળકીને ઘેરી ત્રણ કૂતરાઓએ હુમલો કરી ફાડી ખાધી,ઘટનાને પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે, કૂતરાઓનું ખસીકરણ કરાઈ અને શાળા બહાર વોચમેન મૂકવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
સુરત જિલ્લામાં દીપડાઓ બાદ હવે કૂતરાઓનો આંતક સામે આવી રહ્યો છે. કૂતરાઓને કારણે વધુ એક માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામ ખાતે બની હતી. કોસાડી ગામે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીશ વસાવાની 6 વર્ષની દીકરી શિવાગી વસાવા જે બાળ વાટિકા માં અભ્યાસ કરતી હતી. શિવાંગી નિત્યક્રમ મુજબ ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી અને બપોરના સમયે શૌચાલય માં જતા જ અચાનક ત્રણ થી ચાર ખૂંખાર કુતરાઓ આવી ગયા હતા અને શિવાંગી ને ઘેરી લીધી હતી શિવાંગી ની બૂમો સાંભળી શાળા નજીક પસાર થઈ રહેલ યુવક જોઈ જતા તે તુરત મદદે દોડી ગયો હતો અને કૂતરાઓને દૂર કરી શિવાંગી ને શાળાના સ્ટાફ અને ગ્રામજનો ની મદદ થી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા.જ્યાં વધુ સારવારની જરુર પડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવાંગી નું મોત નિપજ્યું હતું. કૂતરાઓના હુમલાથી શિવાંગી નું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,કૂતરાઓ ના હુમલાની ઘટનામાં શ્રમજીવી પરિવાર ની દીકરાનું મોત થતા પરિવાર ના પગ તળેથી જમીન સરકી ગઈ છે. પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે. સાથે કૂતરાઓને કારણે અન્ય કોઈ વ્યક્તિ નું મોત ન થાય તે માટે તંત્ર રખડતા કૂતરાઓનું ખસીકરણ કરે સાથે જ ગામની પ્રાથમિક શાળાના ગેટ પર વોચમેન મૂકે તેવી માંગ થઈ રહી છે
