સુરત : ધારાસભ્યોના વિરોધ મુદ્દે ડીજીવીસીએલના એમડીની સ્પષ્ટતા
સ્માર્ટ મીટર પારદર્શક અને ભરતી પ્રક્રિયા નિયમિત છે : એમડી
ડીજીવીસીએલમાં 80% કર્મચારીઓ ટ્રાઇબલ વિસ્તારના છે: એમડી
સુરતમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોના વિરોધ મુદ્દે ડીજીવીસીએલના એમડીની સ્પષ્ટતા કરી હતી અને કહ્યુ હતું કે સ્માર્ટ મીટર પારદર્શક અને ભરતી પ્રક્રિયા નિયમિત છે સાથે ડીજીવીસીએલમાં 80 ટકા કર્મચારીઓ ટ્રાઇબલ વિસ્તારના છે.
સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીએલ કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ડીજીવીસીએલમાં 80 ટકા કર્મચારીઓ આદિવાસી એટલે કે ટ્રાઇબલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે. ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવરબિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવરબિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી. તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ એમડી યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ડીજીવીસીએલમાં કુલ 8500 કર્મચારીઓ છે, જેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, કંપની દ્વારા ઈલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક એટલે કે ફિઝિકલ અને લેખિત એટલે કે રિટનિંગ પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ, અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે, તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ચૌધરીએ સ્પષ્ટતા કરી કે, હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે.