સુરતમાં નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ
અંદાજિત 200 કરોડના ખર્ચે ટેનામેન્ટને રિડેવલપમેન્ટ કરાશે
સુરતના માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના- 2016 હેઠળ અંદાજિત 200 કરોડના ખર્ચે ટેનામેન્ટને રિડેવલપમેન્ટ કરાશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે સુરતના માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયુ હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે 200 કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રિડેવલપમેન્ટ સહિત 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. હાલ કરતાં 40 ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારૂ સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે. આશરે દોઢથી બે વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારિત થશે. સાથે જ દરેક પરિવારોને દર મહિને 7 હજારનું ભાડું મળશે જે તેમને આર્થિક પીઠબળ આપશે. તેમજ અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે રીતે તૈયાર કરાશે.