તાપી ગોપાલપુરા-જામખડી માર્ગ ૧૫ વર્ષથી ‘બિસ્માર’,

Featured Video Play Icon
Spread the love

તાપી ગોપાલપુરા-જામખડી માર્ગ ૧૫ વર્ષથી ‘બિસ્માર’,
માત્ર ભ્રષ્ટાચારના થીગડાં વળાયા
લોકોના ટેક્સના પૈસાનું પાણી
હલકી કક્ષાના મટીરીયલથી કરેલું રિપેરિંગ ગણતરીના દિવસોમાં ધોવાય

સરકાર એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને પ્રગતિશીલ ગામડાઓની મોટી-મોટી ગુલબાંગો પોકારી રહી છે, ત્યારે બીજી તરફ ગોપાલપુરાથી જમખડીને જોડતો મુખ્ય ગ્રામ્ય રસ્તો તંત્રની અણઆવડત, આળસ અને કથિત ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ બની રહ્યો છે. છેલ્લા આશરે ૧૫ વર્ષ (દોઢ દાયકા) જેટલા લાંબા સમયથી આ રસ્તાનું નવું ખાતમુહૂર્ત કે પાકો રોડ બનાવવાનું નસીબ ચોંટી ગયું છે. આ વિસ્તારના નાગરિકો માટે આ રોડ નહીં, પણ ‘યાતના માર્ગ’ બની ગયો છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, લાંબા સમયની રજૂઆતો બાદ વચગાળામાં તંત્ર દ્વારા રોડ રિપેરિંગનું નાટક તો કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પણ માત્ર ભ્રષ્ટાચારની ગંધ આવતી હતી. આ રિપેરિંગ કામમાં એટલી નીચી કક્ષાનું (થર્ડ ક્લાસ) મટીરીયલ વાપરવામાં આવ્યું હતું કે, ટૂંક જ સમયગાળામાં રોડ ફરીથી હતો એવો ને એવો જ બિસ્માર બની ગયો. માત્ર કાગળ પર કામ બતાવીને સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના સીધા આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે. ૧૫ વર્ષનો સમય ઓછો કહેવાય ? શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? કોન્ટ્રાક્ટર પર મહેરબાની કેમ ? હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને જનતાના પૈસા વેડફનારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કડક પગલાં કેમ લેવાયા નથી ? સ્થાનિક નેતાઓ ક્યાં ગાયબ છે ? ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે જનતાની આ હાલાકી કેમ જોઈ શકતા નથી ?

લોકોની હાલાકી છે ઘૂંટણસમા ખાડા અને ધૂળની ડમરીઓ આ રસ્તા પરથી પસાર થવું એટલે મોતના કૂવામાં ઉતરવા બરાબર છે. ચોમાસામાં અહીં ઘૂંટણસમા પાણી અને કાદવનું સામ્રાજ્ય સર્જાય છે, જ્યારે બાકીની ઋતુમાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે સ્થાનિકો શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. સૌથી ખરાબ હાલત ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓની થાય છે, જેમને કટોકટીના સમયે હોસ્પિટલ પહોંચાડવા લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે. ગ્રામજનો નું કહેવું છે,અમે ટેક્સ ભરીએ છીએ, ભીખ નથી માંગતા!”ગ્રામજનોનો આક્રોશ સાતમા આસમાને છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ રોડનું ટકાઉ અને નવું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરતા પણ ગ્રામજનો અચકાશે નહીં. હવે જોવાનું એ રહે છે કે, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જાગે છે કે પછી જનતાને આમ જ ખાડા ટેકરા વાળા રસ્તે હેરાન થવા માટે મજબૂર છોડી દેવાય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *