ભાવનગરમાં ક્ષત્રિય ગરાસિયા સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને ભવ્ય રેલીનું આયોજન
વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય ગરાસિયા સમાજે શસ્ત્રપૂજન સાથે મહોત્સવ ઉજવ્યો
ભવ્ય રેલીમાં ક્ષત્રિય ગરાસિયા સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનું વિશેષ સન્માન કરાયું
પરંપરા, શૌર્ય અને સંસ્કૃતિના સંગમ સમાન બન્યો ભાવનગરનો મહોત્સવ
ભાવનગરમાં ક્ષત્રિય ગરાસિયા સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને ભવ્ય રેલીનું આયોજન કરાયું, વિજયાદશમી નિમિતે ક્ષત્રિય ગરાસિયા સમાજ દ્વારા શાસ્ત્ર પૂજન સાથે આયોજિત મહોત્સવમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવીનું વિશેષ સન્માન કરાયું…
ભાવનગર વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગર ક્ષત્રિય ગરાસિયા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નવાપરા સ્થિત ક્ષત્રિય ગરાસિયા બોર્ડિંગ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના ગાયત્રી મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ભવ્ય બાઈક અને કાર રેલી યોજવામાં આવી હતી. રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ નવાપરા સ્થિત ક્ષત્રિય ગરાસિયા બોર્ડિંગ ખાતે સંપન્ન થઈ હતી. ત્યારબાદ પરંપરાગત રીતે વિધિવત્ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજનમાં સહભાગી બન્યા હતા.
આ ઉપરાંત, વિજયાદશમી મહોત્સવ દરમિયાન લોકસાહિત્યના જાણીતા લોકગાયક અને પદ્મશ્રીથી સન્માનિત ભીખુદાન ગઢવીનું ક્ષત્રિય ગરાસિયા સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજાશાહીના સમયથી આજદિન સુધી ચારણોએ પોતાની લોકવાણી અને સાહિત્યના માધ્યમથી ક્ષત્રિયોની વીરતા, ખાનદાની અને ખુમારીની શૌર્યગાથાઓને જનજન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પરંપરાને જીવંત રાખવામાં લોકસાહિત્યકારોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવીનું સન્માન કરીને ભાવનગર ગરાસિયા સમાજે ચારણી સાહિત્ય, લોકસંસ્કૃતિ અને ક્ષત્રિયોની ગૌરવશાળી શૌર્યગાથાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આમ, શસ્ત્રપૂજન, ભવ્ય રેલી અને લોકસાહિત્યના અગ્રણી વ્યક્તિત્વના સન્માન સાથે ભાવનગરમાં વિજયાદશમી મહોત્સવની પરંપરાને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી
