સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર દશેરાનો ભવ્ય મેળો યોજાયો
વિજયાદશમીએ મહાકાળી માતાના દર્શન માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ
પરંપરા મુજબ માતાજીની માટલીઓ ચડાવી શ્રદ્ધાળુઓએ કરી પૂજા
કિલ્લા પરિસરમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી
સોનગઢના ગૌરવવંતા અને ઐતિહાસિક કિલ્લા પર વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ દશેરાનો ઐતિહાસિક મેળો અતિ ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો. વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ મેળામાં સોનગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
કિલ્લાની ટેકરી પર પૌરાણિક મહાકાળી માતાનું મંદિર, અન્ય મા આશાપુરી માતાનું મંદિર તથા દરગાહ સહિત વિવિધ ધાર્મિક સ્થળો આવેલાં છે, જે આ સ્થળની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને ઉજાગર કરે છે. દશેરાના દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ કિલ્લાના ડુંગર પર ચડીને દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત રીતે માતાજીની માટલીઓ ચડાવવામાં આવી હતી અને પરિસરમાં ભક્તિભાવપૂર્વક ગરબા રમવામાં આવ્યા હતા. મેળામાં બાળકો માટે વિવિધ રાઈડ્સ, તેમજ રમકડાં અને ખાણી-પીણીના સ્ટોલ સજાવવામાં આવ્યા હતા. હજારોની મેદનીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મેળો પરંપરા, શ્રદ્ધા અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની રહ્યો હતો
