દાહોદ દેવગઢ બારીયા પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
પાણીની અછત અને વિકાસના કામો નહીં થવા મુદ્દે દરખાસ્ત
આઠ અપક્ષ સભ્યોએ દરખાસ્ત રજૂ કરી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણી પછી માત્ર સાત માસના ટૂંકા ગાળામાં જ ભાજપના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અપક્ષના આઠ સભ્યોએ અવિશ્વાસનીદરખાસ્ત રજૂ કરી છે.
નગરમાં પીવાનું પાણી, સફાઈ, રસ્તાઓની ખરાબ હાલત અને વહીવટી એકતરફી નિર્ણયો જેવા મુદ્દાઓને આગળ ધરીને દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે ત્યારે ભાજપના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અપક્ષના આઠ સભ્યો દ્રારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોનું વલણ નિર્ણાયક બનશે. ચીફ ઓફિસરે પ્રમુખને 15 દિવસમાં વિશેષ સભા બોલાવી વિશ્વાસનો મત મેળવવાનો આદેશ આપ્યો છે. નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે આ આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, “કેટલાક સભ્યોની અયોગ્ય અને વ્યક્તિગત માંગણીઓ પૂરી ન થતાં આ દરખાસ્ત કરાવવામાં આવી છે.” તેમણે દરખાસ્તમાં કેટલીક ખોટી સહીઓનો પણ ઉલ્લેખ કર્યો છે અને ચીફ ઓફિસરને આની તપાસ માટે લેખિત રજૂઆત કરી છે. આ આક્ષેપે વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે, અને ચીફ ઓફિસરે સહીઓની ખરાઈની તપાસ હાથ ધરી છે. દેવગઢ બારીયા નગરપાલિકા બે વર્ષથી વહીવટદારના હાથમાં હતી, કારણ કે ચૂંટણીનું જાહેરનામું સમયસર બહાર પડ્યું ન હતું. ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણીમાં 6 વોર્ડ માંથી 24 સભ્યો ચૂંટાયા, જેમાં ભાજપના 13, કોંગ્રેસના 3 અને અપક્ષના 8 સભ્યો વિજયી થયા. ભાજપની બહુમતી સાથે ધર્મેશ કલાલને 24 સભ્યોની સર્વસંમતિથી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ, સાત માસના ટૂંકા ગાળામાં જ અપક્ષ સભ્યોએ આ દરખાસ્ત રજૂ કરીને રાજકીય એકતાને પડકાર આપ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ, અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા 24 સભ્યોમાંથી ઓછામાં ઓછા 16 સભ્યોનો ટેકો જરૂરી છે. ચીફ ઓફિસરે પ્રમુખને 15 દિવસમાં વિશેષ સભા બોલાવી વિશ્વાસનો મત મેળવવાનો આદેશ આપ્યો છે. આ સભામાં અપક્ષના 8 સભ્યો ઉપરાંત ભાજપના 13 અને કોંગ્રેસના 3 સભ્યોનું વલણ નિર્ણાયક રહેશે. જો બે તૃતીયાંશ બહુમતી ન મળે તો દરખાસ્ત નિષ્ફળ જશે, અન્યથા પ્રમુખે પદ છોડવું પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
