સૌરાષ્ટ્રના પેરિસ જામનગરના 487 વર્ષ પૂર્ણ,
ઈ.સ. 1540 નાની સાતમના રોજ પાયો નાખવામાં આવ્યો હતો.
સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
આજે શીતળા સાતમ એટલે કે નાની સાતમના પવિત્ર દિવસે જામનગર શહેર પોતાના ગૌરવશાળી ઇતિહાસના 486 વર્ષ પૂર્ણ કરી 487 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ડી.કે.વી. કોલેજના ઇતિહાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ જસ્મીનાબેન શાર્ડા સાથેની વિશેષ મુલાકાતમાં જામનગરના સમૃદ્ધ વારસા અને રાજવીઓના યોગદાન પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.
ઈ.સ. 1540 નાની સાતમના રોજ જામ રાવળ દ્વારા આ નગરનો પાયો નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં ‘નગર’ અને બાદમાં ‘નવાનગર’ તરીકે ઓળખાતા આ શહેરની શરૂઆત નાગના બંદરથી થઈ હતી. દરબારગઢ પાસે આવેલી ખાંભી આજે પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી પૂરે છે. જામનગરના પ્રજાવત્સલ રાજવીઓના ભગીરથ પ્રયાસોને કારણે આ શહેરને એક સમયે ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ ગણવામાં આવતું હતું. અંગ્રેજોના સમયમાં પણ નવાનગર પ્રથમ કક્ષાનું રાજ્ય ગણાતું હતું અને અહીંના રાજવીઓને વિશેષ માન-મરતબો પ્રાપ્ત હતો. જામ રણજિતસિંહજીએ ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું નામ વિશ્વભરમાં ગૂંજતું કર્યું હતું. લંડનના લોર્ડ્સ પેવેલિયનમાં પણ ‘રણજી પેવેલિયન’ આવેલું છે અને તેમના માનમાં આજે પણ ભારતમાં ‘રણજી ટ્રોફી’ રમાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગુલાબકુંવરબા આયુર્વેદિક યુનિવર્સિટી, ડી.કે.વી. કોલેજ, નવાનગર સ્કૂલ અને સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ જેવી સંસ્થાઓ સ્થાપીને રાજવીઓએ શિક્ષણનો પાયો મજબૂત કર્યો હતો. આવા મહાન વારસા ધરાવતા જામનગરના સ્થાપના દિવસે સૌ નાગરિકો ‘ઘણું જીવો જામનગર’ની ભાવના સાથે ઉત્સવ મનાવી રહ્યા છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડનું એક જહાજ અનાથ બાળકોને લઈને વિશ્વના અનેક બંદરો પર આશ્રય માટે ભટકતું હતું, ત્યારે જામનગરના ઉદાર મનના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ બાલાચડીના દરિયાકિનારે તેમને આશ્રય આપ્યો હતો. બાલાચડી ખાતે આ બાળકો માટે રહેવાની, જમવાની અને અંગ્રેજી શિક્ષણની તમામ વ્યવસ્થા યુદ્ધ પૂરું ન થયું ત્યાં સુધી કરવામાં આવી હતી. આજે પણ પોલેન્ડમાં ‘જામનગર સ્ટ્રીટ’ આવેલી છે અને ત્યાં રહેતી ચોથી પેઢી પણ આ ઉપકારને યાદ કરે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
