સુરતમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા
સુરત-રાજકોટમાં લાખો લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. તો વનમંત્રીએ કહ્યુ હતું કે સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે.
વૈશ્વિક ફલક પર 21 મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજય રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના યોગદિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે, યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીકરૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. વધુમાં કહ્યું હતુ કે, આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ જાળવવા જાગૃત કરવાનો છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે એમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બને તેવું આહવાન કર્યુ હતું. તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટ્નમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વિતામુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજયકક્ષાના યોગદિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
સુરતમાં 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનશર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, યોગબોર્ડના કર્મયોગીઓએ યોગાસનમાં જોડાયા હતાં.