સુરતમાં ડોક્ટરની આત્મહત્યા મામલે બ્રહ્મ સમાજની કડક કાર્યવાહીની માંગ
પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી
સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાતને લઈ હવે બ્રહ્મ સમાજે કડક કાર્યવાહી કરવાની માંગ કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ કોલેજના એચઓડી સહિત જવાબદાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
સુરતમાં નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે મામલો વધુ ગંભીર બન્યો હોય તેમ હર્ષ પંડ્યાના આપઘાત બાદ બ્રહ્મ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચઓડી સહિત સમગ્ર મામલે જવાબદાર અને કસૂરવાર લોકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કસૂરવાર ચાર તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમાજ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટનાના સમયે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હતા. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
બ્રહ્મ સમાજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હર્ષ પંડ્યા આપઘાત મામલે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર છે.
