વાવ-થરાદના ભાચલીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન.
વરસાદ બંધ થયાના 10 દિવસ બાદ પણ ઘરો આસપાસ પાણી ભરાયેલું.
આશરે 15થી વધુ ઘરો વરસાદી પાણીથી ઘેરાયેલા.
વાવ-થરાદ જિલ્લાના ભાચલી ગામમાં વરસાદ બંધ થયાના દસ દિવસ પછી પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. ભાચલીથી ચાદરવા તરફ જતા રસ્તા પર આવેલા આશરે દસ ઘરોની આસપાસ હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાનો ભય છે.
વાવ-થરાદ જિલ્લાના ભાચલી ગામમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોને ખેતરમાં જવામાં અને બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ગ્રામજનો દ્વારા કાચા રસ્તાને પાકો બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભાચલી ગામમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. આ અંગે ગ્રામજનો દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે અને બે વખત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનો કોણારી તળાવનું નાકું ખોલવાથી પાણીનો નિકાલ થઈ શકે તેમ માને છે.
સ્થાનિકોના મતે, દર વર્ષે આ માર્ગ પર વરસાદી પાણી ભરાય છે, પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની છે. જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વાવ-થરાદ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે, ભાચલી ગામમાં પાણી ભરાવાની સમસ્યા અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી છે અને બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી છે. પાણીના નિકાલ માટે મોટા પાઇપ નાખવાની જરૂરિયાત જણાતા સિંચાઈ વિભાગને દરખાસ્ત તૈયાર કરવા જણાવાયું છે. સરકારની મંજૂરી મેળવવાની કાર્યવાહી બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
