ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો

Featured Video Play Icon
Spread the love

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો
એક મણ ડુંગળીના ભાવ માત્ર ₹100થી ₹200 સુધી બોલાયા
પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું
ડુંગળીના તળિયે પહોંચેલા ભાવથી ખેડૂતોમાં નિરાશા
ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બનતાં ખેડૂતોની મુશ્કેલી વધી

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં જોરદાર કડાકો બોલતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને પંથકમાં નિરાશા તથા દુઃખનો માહોલ છવાયો છે. યાર્ડમાં ડુંગળીના એક મણના ભાવ માત્ર ₹૧૦૦, ₹૧૫૦ થી લઈને ₹૨૦૦ સુધી જ બોલાયા છે.

જગતનો તાત આખી દુનિયાને અન્ન પૂરું પાડે છે. ખેડૂત પોતાના ખેતરમાં તાપ, તડકો, વરસાદ અને આકરી ગરમી સહન કરીને અન્ન પકવે છે. ક્યારેક કુદરતી આફત તો ક્યારેક કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવું પડે છે. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને આખું વર્ષ તનતોડ મહેનત કરીને ખેડૂતો વાવેતર કરે છે, છતાં અનેકવાર આર્થિક નુકસાની અને પીડા સહન કરવી પડે છે. ધોરાજી પંથકના ખેડૂતોએ સારો પાક અને પોષણક્ષમ ભાવ મળવાની આશા સાથે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરસેવો પાડીને પાક તૈયાર કર્યા બાદ ખેડૂતો ડુંગળી લઈને ધોરાજી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા, પરંતુ ત્યાં ભાવ ગગડી જતાં ખેડૂતોના ચહેરા પર ચિંતા અને નિરાશા જોવા મળી હતી. યાર્ડમાં ડુંગળીના એક મણના ભાવ ₹૧૦૦, ₹૧૫૦ અને ₹૨૦૦ રહ્યા, જ્યારે સારામાં સારી ડુંગળીના ભાવ પણ ₹૬૦૦ સુધી જ સીમિત રહેતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી જેવા માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની અઢળક આવક નોંધાઈ છે: ગોંડલ માર્કેટિંગ યાર્ડ: અંદાજે ૧.૫ થી ૨ લાખ કટ્ટાની આવક જેતપુર માર્કેટિંગ યાર્ડ: અંદાજે ૧૫,૦૦૦ કટ્ટાની આવક ધોરાજી માર્કેટિંગ યાર્ડ: અંદાજે ૩,૫૦૦ કટ્ટાની આવક

આવક પર નિયંત્રણ ન રહેતાં અને અગાઉ એક મણના ₹૮૦૦ થી ₹૧,૦૦૦ સુધી મળતા ભાવ અચાનક ઘટીને ₹૧૦૦ થી ₹૬૦૦ થઈ જતાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે. નિકાસ (એક્સપોર્ટ) ડ્યુટી અને બાંગ્લાદેશમાં ગુજરાતની ડુંગળી માટે ઈમ્પોર્ટ પરમિટ ન મળવા સહિતના કારણોસર ડુંગળી પકવતા ખેડૂતોને ભારે હાલાકી અને આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે જો સરકાર દ્વારા ડ્યુટીમાં રાહત આપવામાં આવે તો દુઃખી અને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને થોડી રાહત અને ફાયદો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *