કલામંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાલી કોસંબા દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન
પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો
કોસંબા. સુરત જિલ્લાનો કોસંબા વિસ્તાર રવિવારે માનવતા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનો જીવંત ઉદાહરણ બન્યો. કલામંદિર જવેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી–કોસંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક
સમૂહ લગ્નોત્સવમાં 71 પિતાવિહોણી દીકરીઓનું વૈદિક વિધિ સાથે કન્યાદાન કરવામાં આવ્યું હતું આ અનોખા આયોજનમાં માત્ર લગ્ન નહીં પરંતુ દીકરીઓના ભવિષ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી. દરેક નવદંપતીને કરિયાવર, ઘરવખરી, વસ્ત્રો, તેમજ રૂ. 5 લાખનું વીમા કવર આપવામાં આવ્યું. સાથે જ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતાં ફટાકડા, ડીજે અને વરઘોડાને ટાળી એક શિસ્તબદ્ધ અને સંવેદનશીલ આયોજન કરવામાં આવ્યું. લગ્નોત્સવ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં 1000 યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. રક્તદાતાઓને રોડ સેફ્ટી પ્રત્યે જાગૃત કરવા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, રોટરીના પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ તરસાડી – કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા 25 વર્ષથી સમાજસેવામાં કાર્યરત છે. કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી આ સમૂહ લગ્નનું આયોજન થયું. 100થી વધુ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા 71 જોડાની પસંદગી કરી. દરેક દંપતીને કપડા, ઘરવખરી, કરિયાવર અને રૂ. 5 લાખનું ઇન્શ્યોરન્સ આપવામાં આવ્યું છે. અમારું ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું નહીં પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે રોટરી 3060 ના ડિસ્ટ્રીક ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી–કોસંબાએ સમાજ માટે અદભૂત કામગીરી કરી છે. 71 યુગલોના લગ્ન સાથે સંવેદના, સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે. કલામંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમોને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા હતા. સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા દીકરા-દીકરીઓ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યું, એ માતા-પિતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે. માત્ર ભાષણોથી નહીં, પરંતુ કાર્યથી બદલાવ આવે. રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે, એ સમાજ માટે ઉદાહરણરૂપ છે. જો તરસાડી-કોસંબામાં 5-10 પરિવારો પણ ફરીથી એક થાય, તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે. ઘર સંભાળતી માતા, બહેન અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે. એમની કામગીરીથી જીવન ચાલે છે. રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે, એ કોઈ પિતાથી ઓછું નથી. આવનારા વર્ષોમાં આ સંખ્યા 71થી 700 થાય એવી મારી શુભેચ્છા છે
