પાલીતાણામાં નૈતિકભાઈ પરમાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા
હત્યાના ચકચારી કેસમાં ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ ઝડપાયા
ઝડપી કાર્યવાહીથી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા
પાલીતાણામાં નૈતિકભાઈ પરમારની હત્યાના ચકચારી કેસમાં પોલીસને સફળતા ગણતરીના કલાકોમાં ચારેય આરોપી ઝડપાયા
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રોડ પર ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી અને મારામારીમાં નૈતિકભાઈ ભરતભાઈ પરમારની હત્યાના બનાવમાં પાલીતાણા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડયા છે. પાલીતાણાના આંબેડકર સોસાયટી વિસ્તારમાં રહેતા નૈતિકભાઈ પરમાર પર ગઈકાલે રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યાના સુમારે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોડ પર ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જે હિંસક સ્વરૂપ ધારણ કરતાં નૈતિકભાઈ પરમારની હત્યા કરી આરોપીઓ નાસી છૂટયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે હત્યાની આ ઘટના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનથી માત્ર ર૦૦ મીટરના અંતરે બની હતી. બનાવ બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તપાસમાં લાગેલી પાલીતાણા ટાઉન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ જામવાળી વિસ્તારની સીમમાં છુપાઈને બેઠા છે અને ત્યાંથી નાસી છૂટવાની ફિરાકમાં છે. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા.પોલીસે ચેતનભાઈ અશોકભાઈ રાઠોડ, સમીરભાઈ રફીકભાઈ લાખાણી, અમનભાઈ ઈમરાનભાઈ આરબ અને વિજયભાઈ મનુભાઈ પરમાર નામના ઇસમોને હત્યાની ઘટનામાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી જતાં પાલીતાણામાં ચકચાર મચી છે..
