ગુજસીટોકના આરોપી પથુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત
ભાવનગર જિલ્લા જેલમાં અઢી વર્ષથી હતા કેદ
જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા
ફરી તબિયત લથડતાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
પરિવારે રાજકીય કિન્નાખોરીના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરી
ભાવનગર જિલ્લા જેલમાં ગુજસીટોક સહિતના વિવિધ ગુનાઓમાં છેલ્લા અઢી વર્ષથી કેદ પથુભા મેરુભા ગોહિલ (પીપરાળી)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પથુભા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. ગતરાત્રે જેલમાં તેમને હાર્ટ-એટેક આવતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી સારવાર બાદ તેમને ફરી જેલમાં ખસેડાયા હતા. જોકે, મોડીરાત્રે ફરી તેમની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાને લઈને પરિવારજનોએ રાજકીય કિન્નાખોરીના કારણે પથુભા પર કેસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જ્યારે મૃતકના ભત્રીજા ક્રિપાલસિંહ ગોહિલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. મૃતકના ભત્રીજા ક્રિપાલસિંહ ગોહિલે જણાવ્યું કે, પીપરાળીના પથુભા મેરુભા ગોહિલનું હાર્ટ-એટેકના કારણે મૃત્યુ થયું છે. તેમને ખૂબ માનસિક ટોર્ચર કરાયા. તેમની ઉપર દર ત્રણ મહિને એક નવો કેસ દાખલ કરવામાં આવતો. આ આખું એક રાજકીય કિન્નાખોરી અને ષડયંત્ર હતું, જેમાં તેમની ઉપર ગુજસીટોક જેવો ગંભીર ગુનો પણ લગાડવામાં આવ્યો. એક કેસમાં સાત એફઆઈઆર કરવામાં આવી હતી, જેમાંથી છમાં તો તેમનું નામ પણ નથી. માત્ર મળતિયાઓનું નામ આગળ કરીને તેમનું નામ પણ ઉમેરી દેવામાં આવે છે, જેથી તેઓ આખી જિંદગી જેલમાં જ રહે. મારી માગ છે કે, આ મામલે તપાસ કમિટી બનાવવામાં આવે, જે પોલીસ અધિકારીઓએ તપાસ કરી છે, તેમની સામે કડક પગલાં લેવામાં આવે. સાથે જ જેમણે ખોટા ગુના નોંધીને ખોટા નામો ઉમેરાવ્યા છે, તેમની સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે. આ બધું માત્ર રાજકીય કિન્નાખોરી માટે જ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી જવાબદારો સામે સરકાર દ્વારા એફઆઈઆર દાખલ ન કરવામાં આવે, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. છેલ્લા અઢી વર્ષથી પથુભા જેલમાં હતા અને તેમની ઉપર ગુજસીટોક તેમજ લેન્ડ ગ્રેબિંગ જેવા ખોટા કેસ કરવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગના કેસમાં જમીનના દસ્તાવેજોમાં તેમનું નામ પણ નથી, તેમ છતાં તેમની સામે કાર્યવાહી થઈ છે. આ બધું માત્ર રાજકીય સ્ટંટ અને ખોટા કેસ કરવાના હેતુથી જ કરવામાં આવ્યું છે. જેલની અંદર પણ ખોટા કેસ ઊભા કરવામાં આવે છે. ઝઘડો બીજા કોઈ કરે અને નામ તેમનું આવે, મોબાઈલ બીજા કોઈ વાપરે અને નામ તેમનું આવે. આવા તદ્દન ખોટા કેસોમાં ક્યાંય તેમનો સંડોવણી નથી, નામ પણ નથી અને કોઈ ફરિયાદી તેમને ઓળખતા પણ નથી, છતાં માત્ર રાજકીય સ્ટંટના ભાગરૂપે આ કેસ દાખલ કરાયા છે. અમારી માંગણી એક જ છે કે કાયદેકીય પેનલ દ્વારા તેમનું વ્યવસ્થિત પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને ત્યારબાદ પણ અમારો એક જ આગ્રહ છે કે અમે તો અમારા સ્વજન ગુમાવી દીધા છે, પરંતુ જેમણે આ ખોટા કેસ કર્યા છે અને ખોટી તપાસ કરી છે, તેમની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવે
