રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનના ખાણી-પીણી બિલમાં મોટું કૌભાંડ.
ડિમોલિશન ઓપરેશનમાં 27 લાખના ભોજન ખર્ચના વિવાદ
આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીનું નિવેદન.
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ઓપરેશનમાં 27 લાખના ભોજન ખર્ચના વિવાદ બાદ હવે માત્ર મિનરલ પાણીનું જ બિલ 12 લાખ આવતા ભારે હોબાળો મચ્યો છે. હજુ જેસીબી અને ટ્રેક્ટરના બિલ બાકી છે.
રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી દબાણ હટાવવાની ઝુંબેશ હવે કામગીરી કરતા તેના તોતિંગ અને આશ્ચર્યજનક બિલિંગના કારણે હેડલાઇન્સમાં છે. રાજકોટના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલા તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવીને મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મનપાના અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત હતા. પરંતુ, આ ડિમોલિશન પૂરું થયા બાદ જે ખર્ચના આંકડા સત્તાવાર રીતે બહાર આવી રહ્યા છે, તે સામાન્ય જનતા અને ટેક્સપેયર્સને ચોંકાવી દે તેવા છે. જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને ફોર્સ માટે મગાવાયેલા નાસ્તા અને ભોજનનું બિલ અગાઉ 27 લાખ આવ્યું હતું, જેના પર વિપક્ષ અને સ્થાનિક સ્તરે મોટો હોબાળો મચ્યો હતો. હજુ આ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં જ ઓપરેશન દરમિયાન પીવા માટે મગાવાયેલા મિનરલ વોટર નું બિલ લાઈવ સામે આવ્યું છે, જે અધધ 12 લાખ રૂપિયા નોંધાયું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે થોડા દિવસના ડિમોલિશનમાં કેટલા લાખ લીટર પાણી વપરાયું કે તેનું બિલ આટલું તોતિંગ બની ગયું ?
મનપાના આંતરિક વર્તુળોમાંથી મળતી લાઈવ વિગતો મુજબ, આ તો માત્ર ખાવા-પીવાનો જ ખર્ચ છે જે 39 લાખને પાર પહોંચી ગયો છે. હજુ દબાણ તોડવા માટે દિવસ-રાત દોડેલા ભારેભરખમ જેસીબી (JCB) મશીનોનું કલાક દીઠ ભાડું, કાટમાળ ઉપાડીને ડમ્પિંગ સાઇટ સુધી લઈ જનારા ટ્રેક્ટરોના ફેરાનું બિલ અને લવાયેલા મજૂરોના મહેનતાણાના મસમોટા બિલો પાઇપલાઇનમાં છે. જ્યારે આ તમામ બિલો મંજૂરી માટે ટેબલ પર આવશે ત્યારે કુલ ખર્ચનો આંકડો કરોડો રૂપિયાને આંબી જશે. ડિમોલિશનના નામે થતા આવા આંધણ સામે હવે ઉચ્ચ સ્તરેથી ઓડિટ અને તપાસ થાય તેવી લાઈવ માંગ પ્રબળ બની છે… કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
